Bihar Elections 2025: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં બેઠકોની વહેંચણીને લઈને ગઠબંધન પક્ષો વચ્ચે ગરમાગરમી જોવા મળી રહી છે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાના દિલ્હી નિવાસસ્થાને યોજાયેલી બેઠક છતાં, સહયોગી પક્ષોમાં હજુ સુધી સર્વસંમતિ સધાઈ નથી. બેઠકમાં જનતા દળ યુનાઇટેડ (JDU), હિન્દુસ્તાની આવમ મોરચા (HAM), રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP) અને લોક જનશક્તિ પાર્ટી (LJPR)ના નેતાઓએ ભાગ લીધો હતો.
JDUનો સ્પષ્ટ ઈન્કાર: ‘ભાજપ ચિરાગ સાથે વાટાઘાટ કરે’
સૂત્રોના જણાવ્યાનુસાર, સીટ વહેંચણીનો મુખ્ય પેચ JDU અને ચિરાગ પાસવાનની પાર્ટી (LJPR) વચ્ચે ફસાયો છે. JDU અને જીતનરામ માંઝીની પાર્ટી (HAM) ચિરાગ પાસવાન દ્વારા માંગવામાં આવેલી કેટલીક બેઠકો પર સમાધાન કરવા તૈયાર નથી. સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે JDU નેતાઓએ ભાજપ હાઈકમાન્ડને સ્પષ્ટ જણાવી દીધું છે કે, ભાજપે પોતે જ ચિરાગ પાસવાન સાથે વ્યવહાર કરવો જોઈએ. JDU તેમની સાથે કોઈ વ્યવહાર કરશે નહીં.






